આપણા દેશમાં સૌથી કિંમતી વૃક્ષ અથવા લાકડા તરીકે અગરવુડ અને રેડસેન્ડર (રક્તચંદન)ની ગણના થાય છે. આ લાકડું દેશમાં ઘણા ઓછા પ્રમાણમાં મળે છે, તેની જાળવણી અને સાચવણી માટે ઘણી કાળજી રાખવી પડે છે. અગરવુડની ખેતીને સોનાની ખાણ સમાન ગણવામાં આવે છે. તેનો ઉપયોગ સુગંધિત તેલ અને દવામાં થાય છે. ખાસ કરીને તેની માંગ સાઉદી અરેબિયા, યુએઈ તથા અન્ય આરબ રાષ્ટ્રોમાં વધારે છે. કોરિયામાં તેનો ઉપયોગ વાઈન (દારૂ) બનાવવામાં તથા ચીનમાં ઘરેણાં બનાવવામાં પણ થાય છે. અગર તેલનો 1 કિલોનો ભાવ 25 લાખ રૂપિયા સુધીનો હોય છે અને તેની ચીપ (છાલ)નો ભાવ કિલોના એક લાખ રૂપિયા સુધીનો હોય છે. ભારતમાં ત્રિપુરા અને આસામમાં તે વધુ પ્રમાણમાં થાય છે. અગરવુડ અને રેડ સેન્ડરની દાણચોરીથી વિદેશોમાં ન જાય માટે સરકારે પણ તકેદારી રાખવી પડે છે. જો કે ફર્નિચર કે બાંધકામ માટે સામાન્ય રીતે વપરાતા લાકડામાં સાગવુડ કે ટીકવુડ જેવા લાકડા સામાન્ય ભાવથી કિંમતે ભાવે પણ મળે છે પરંતુ હાલમાં અયોધ્યાના રામમંદિર તથા નવા સંસદભવનમાં વપરાતા લાકડાની ચર્ચા અહીં કરીશું. ફર્નિચર માટે ટીકવુડ સૌથી શ્રેષ્ઠ લાકડું ગણાય છે.
અયોધ્યાના રામમંદિરમાં મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લા સાગ (ટીકવુડ) વાપરવામાં આવ્યું છે જે ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિ. (FDCM) દ્વારા 29 માર્ચ – 2023ના રોજ તેનું પ્રથમ કન્સાઇન્મેન્ટ રવાના કરવામાં આવ્યું. શ્રી રામ મંદિર તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ-કમિટી દ્વારા, વિશેષ ટીમ દ્વારા પસંદ કરાયેલ 1800 ચો.ઘનમીટર ટીકવુડના કન્સાઈન્ટમેન્ટનો પ્રથમ સપ્લાય મોકલવાના પ્રસંગે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ધાર્મિક ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. આ ટીમ્બર લોગને વ્હેરવાનું કામ ચંદ્રપુર જિલ્લાના પ્રસિદ્ધ બેલારપુરનગરમાં કરવામાં આવ્યું હતું કે જે આ કામ માટે ખૂબ જાણીતું છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રપુરનું આ લાકડું તાજેતરમાં નિર્માણ પામેલ સંસદ ભવનમાં પણ વપરાયું છે. મંદિરનું બાંધકામ કરનાર લાર્સન એન્ડ ટોબ્રો દ્વારા દહેરાદૂન ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સલાહ લીધા બાદ રામમંદિર માટે ચંદ્રપુરના ટીકવુડની પરીક્ષણ કર્યા બાદ પહેલી ખેપ અયોધ્યા રવાના થઇ હતી, મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના ચંદ્રપુરમાં ટકાઉ અને સુંદર ટીકવુડ પ્રાપ્ત થાય છે અને તેથી જ અયોધ્યાના રામમંદિર અને દિલ્હીના નવા સંસદ ભવન માં તેની પસંદગી થઇ છે.
શ્રી રામમંદિરના શાલિગ્રામ માટે નેપાળના મુસ્તાંગ જિલ્લાના અતિ પ્રાચીન (લગભગ 6 કરોડ વર્ષ જૂના) પહાડના 26 ટન અને 14 ટનના બે મોટા પથ્થર મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના ભરતપુરના પ્રસિદ્ધ પત્થર પણ મંદિરના નિર્માણમાં વપરાઈ રહ્યા છે.
30 વર્ષ પહેલા જેની ડિઝાઇન પ્રસિદ્ધ શિલ્પકાર આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવેલ તે અયોધ્યાનું રામ મંદિર દેશનું સૌથી મોટું મંદિર બનનાર છે જેના શિલાન્યાસ માટે દેશના 2587 જેટલા ભાગોમાંથી પવિત્ર માટી અને 150 નદીના પવિત્રજળ લાવવામાં આવ્યા હતા. આ મંદિરમાં આયર્નસ્ટીલ (લોખંડ)નો ઉપયોગ કરવામાં આવ્યો નથી તેની જગ્યાએ તાંબુ, વ્હાઇટ સિમેન્ટ અને લાકડાનો ઉપયોગ થયો છે. મંદિરના બાંધકામમાં શ્રીરામ લખેલ ઈંટોનો ઉપયોગ થયો છે. ઉલ્લેખનીય છે કે મંદિરના નિર્માણ માટે ઉ.પ્ર. ના મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી (કે.પી. મૌર્ય) અને મોરારીબાપુ એ (5 કરોડ રૂપિયા)નું યોગદાન આપ્યું છે.
લગભગ 1200 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ તૈયાર થઈ ગયેલ દિલ્હીના નવા સંસદ ભવનમાં થાઈ-નેસ ડિઝાઇનના ઈન્ટીરિયરમાં 5000 જેટલા ટીક લોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાંથી 1000 જેટલા ટીક લોગ રાજ્ય દ્વારા સંચાલિત ફોરેસ્ટ ઇન્ડસ્ટ્રી સંગઠન દ્વારા મંગાવવામાં આવેલ છે. આ રીતે દેશના સૌથી બે મોટા નિર્માણ ભવનમાં શ્રેષ્ઠ ટીકલોગનો ફાળો મહત્વનો છે, અને આ મહત્વના ફાળાએ દેશની વુડ ઇન્ડસ્ટ્રી અને ફોરેસ્ટ્રીને વિકાસની હરણફાળ ભરવાની એક અનેરી તક પૂરી પાડી છે.