Saturday, December 21, 2024
spot_img

પડકારો ઝીલી આગળ વધવા સજ્જ થતું ભારતનું ડબ્લ્યુપીસી (WPC) બજાર

લાકડાના વિકલ્પ તરીકે સમયાંતરે અનેક વિકલ્પો શોધાતા રહ્યા છે. જેમાં પર્યાવરણ અને ઉપલબ્ધતા સહિત અનેક બાબતોનો ખ્યાલ રખાય છે, જેમાંના એક વિકલ્પ તરીકે WPC (વુડ – પ્લાસ્ટીક કમ્પોઝીટ)ની ગણના કરી શકાય, જે આધુનિક શોધનું પરિણામ છે, જો કે આમ તો હજુ પણ આવા સંશોધનો ચાલુ છે, જેના આધારે બામ્બૂ (વાંસ), બાયોપ્લાસ્ટીક્સ, સેલ્યુલોઝ નેનોફાઇબર્સ અને માઇસીલિયમ બેઇઝ કમ્પોઝીટ મટેરીયલ, નજીકના સમયમાં બજારમાં આવવાની સંભાવના છે. વાત અહીં WPCની કરવાની છે, જેણે ભારતમાં બે દશક પહેલા પ્રવેશ કર્યો આ બે દશકમાં ભારતમાં WPC બનાવતી અનેક કંપનીઓ અસ્તિત્વમાં આવી પરંતુ ગ્રાહકોમાં જાગૃતિના અભાવને કારણે કોરોના સુધીનો સમય સંઘર્ષમાં જ કાઢ્યો. જો કે વિશ્વની સરખામણીમાં ભારતમાં આ પ્રોડક્ટે મોડી એન્ટ્રી મારી અને તે પછી અનેક આશાઓ સાથે કેટલીક કંપનીઓ બજારમાં આવી. ડબ્લ્યુપીસીના ઉત્પાદન અને વપરાશમાં ભારત થોડું પાછું પડ્યું, તેના અનેક કારણો હતા.

આજથી બે દશક પહેલા ગુજરાતના વલસાડ નજીક અતુલ ખાતે લાલભાઈ ગ્રુપ દ્વારા સીન્થવુડ નામની પ્રોડક્ટ બજારમાં આવી હતી પરંતુ તે બજારમાં ન ચાલવાથી બંધ કરી દેવી પડી. ત્યારબાદ બજારમાં પોતાની હાજરી બતાવવા આ પ્રોડક્ટે રાહ જોવી પડી, અને આખરે આ પ્રોડક્ટ બજારમાં આવી, જેણે તેના દોઢ દાયકાના સમયમાં અનેક પડકારો ઝીલ્યા છે.

જૈન ઇરીગેશન આ પ્રોડક્ટ સૌ પ્રથમ ભારતમાં લાવવાનો દાવો કરે છે જેમાં પીવીસી શીટ્સનું ઉત્પાદન મુખ્ય છે અને તેનો 100 જેટલા દેશોમાં નિકાસ પણ કરે છે. પીવીસી અને ડબ્લ્યુપીસી એ ખુબ જ સારી વસ્તુ છે, અને પ્રોડક્ટની દ્રષ્ટિએ બંને વચ્ચેનો સંબંધ માસિયાઇ બહેનો જેવો છે. આગમન પછી પ્રારંભના વર્ષોમાં આ પ્રોડક્ટ વિશે ગ્રાહકોમાં જાગૃતિ અને પૂરતી ટેકનીકલ જાણકારીનો અભાવ તથા તેના ગવર્મેન્ટ સ્ટાન્ડર્ડના નિયમોની ગેરહાજરીને કારણે આ પ્રોડ્કટને ભારતના બજારમાં પગભર થવામાં અનેક મુશ્કેલીઓ પડવા લાગી.

વિશ્વમાં વધતી વસ્તી અને માંગને કારણે કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિને ઘણો વેગ મળી રહ્યો છે. સમય અને જરૂરિયાતમાં પરિવર્તનને કારણે ગ્રાહકની પસંદ પણ બદલાઈ છે. અત્યારે ગ્રાહક ખરીદી કરતી વખતે, જે પ્રોડક્ટ લાંબા સમય સુધી ચાલે અને સહેલાઇથી મળી શકે તેમ હોય તેમાં રોકાણ કરવા માંગે છે, તેથી વુડ પ્લાસ્ટીક કમ્પોઝીટ માર્કેટને વિશ્વમાં મોટો બ્રેક મળ્યો છે. આ પ્રોડ્કટને જાપાને ત્રણ દશક પહેલા આવકાર્યું અને તે પછી તે પુરા વિશ્વમાં વિસ્તર્યું. જાપાનની એક એન્જીનીયરીંગ કંપની EIN એન્જીનીયરીંગ સોફ્ટવુડ વેસ્ટ અને રિસાયકલ કરેલ પોલિમર રેઝીનમાંથી લાકડાના વિકલ્પ તરીકે વપરાય તેવા મટીરીયલની શોધ કરી અને તેને વિકસાવી. આ નવું મટીરીયલ ઇકોફ્રેન્ડલી કહી શકાય તેવું હતું અને તેની ગુણવત્તા તથા દેખાવ આકર્ષક અને લાકડાની પ્રજાતિ જેવા જ હતા. આ પ્રોડ્કટને ટૂંક સમયમાં જાપાનીઝ માર્કેટ સર કરી લીધું અને દુનિયાભરમાં તેની નોંધ લેવાઈ. વુડ પ્લાસ્ટીક કમ્પોઝીટ એક હાઈબ્રીડ મટીરીયલ છે, જે કુદરતી લાકડા અથવા વુડ વેસ્ટ અને પ્લાસ્ટીકના રેસામાંથી બને છે. મટીરીયલ સિલેક્શનનો મોટો આધાર મેન્યુફેક્ચરર્સના પ્રેફરન્સ ઉપર આધારિત છે. આ ઉપરાંત દરેક કમ્પોનન્ટની પ્રોપર્ટી (ગુણો) તેમજ તેની ઉપલબ્ધી પણ તેટલી જ મહત્વની છે. વુડ કમ્પોનન્ટ, મોટા ભાગે લાકડાના ભૂકા કે નાના રેસા રૂપે વપરાય છે, જે WPCના 50 થી 70 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. લાકડામાંથી મળતા સેલ્યુલોઝ ને કારણે WPC પણ મોટા ભાગની લાકડા જેવી વિશિષ્ટતાઓ ધરાવે છે, અને તેના પર વિવિધ પ્રોસેસ પ્લાનિંગ, ડ્રિલીંગ અને સેન્ટીંગ કરી શકાય છે. ખીલી, સ્ક્રુ અને બીજા ફાસ્ટનર, WPC સાથે વધુ જોડાણ મેળવે છે. સામાન્ય લાકડાની સરખામણીમાં WPC ઉચ્ચ પાણીનો અવરોધક છે અને ઉંચા તાપમાનમાં પણ સારું કાર્ય કરવાની તાકાત ધરાવે છે તથા તેના માટે ઓછું મેઇન્ટેનન્સ જરૂરી છે.

અત્યારે પણ WPCમાં સંશોધન અને વિકાસની પ્રક્રિયા ચાલ્યા કરે છે, તેની પ્રોપર્ટી અને ફાયદાને કારણે સંશોધનકર્તા માટે તે આકર્ષણનો વિષય છે

WPCનું માર્કેટ વિશાળ છે, કારણકે પ્લાસ્ટિક અને વુડનું પ્રોડક્શન વિપુલ પ્રમાણમાં થાય છે, જે બીજી વખત ઉપયોગ કર્યા વગર જ નિકાલ કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં ઉત્પન્ન તથા વેસ્ટ જનરેશનને કારણે અને ઓછા ખર્ચને કારણે WPC એક નવા વેક્યુએટેડ પ્રોડક્ટ તરીકે વપરાઈ રહ્યું છે. કન્સ્ટ્રક્શન સંબંધિત ઉપયોગમાં તે ઝડપથી પોતાનું સ્થાન જમાવી રહ્યું છે, એમાંય ખાસ કરીને આઉટડોર એપ્લિકેશન અને ડેકીંગમાં તે વધુ વપરાય છે, જો કે હવે તો તેના ઉપયોગો ઘણાં વધી રહ્યા છે.

આર્કિટેક્ટ, ડિઝાઈનર, રીટેઈલ ફર્નિચર બનાવનાર, લેન્ડસ્કેપર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર તથા કન્સ્ટ્રક્શન કંપની તરફથી WPC માંગમાં હવે ધીમે ધીમે, સ્લોલી બટ સ્ટેડીલી વધારો થઈ રહ્યો છે તે ભારતના WPC બજાર માટે સારા સંકેતો છે. WPC ડોર્સ, ડોર ફ્રેમ્સ, બોટ બિલ્ડિંગમાં પણ હવે WPC પ્લેટ્સ અને ડોક્સનો ઉપયોગ વધવા લાગ્યો છે.

કોરોના પહેલાના સમયકાળમાં દેશમાં WPC ઉદ્યોગ, જે 50 ટકાની આસપાસની ઉત્પાદન ક્ષમતાથી કામ કરતો હતો તેમાં હવે વધારો થઈ રહ્યો છે. ભારતનું WPC માર્કેટ હાલમાં લગભગ 11 ટકાના દરે વિકાસ કરી રહ્યું છે તેથી આવતા પાંચ વર્ષમાં તેનું ઉત્પાદન 55 ટકા જેટલું વધવાની ધારણા છે. આ ક્ષેત્રે દેશમાં 55 ટકા જેટલી ઉત્પાદક કંપનીઓ કાર્યરત છે. જો કે શરૂઆતના તબક્કે ઓછી માંગને કારણે કેટલીક કંપનીઓએ WPCનું વેચાણ બંધ કરવું પડ્યું પરંતુ હવે વાતાવરણ સુધરતાં WPC બજારમાં ઉત્સાહના સંકેતો મળી રહ્યા છે. દેશમાં ગુજરાત જેવા પશ્ચિમના રાજ્યોમાં WPCનું માર્કેટ ઘણું સારું છે અને તે પછી ઉત્તરભારત, દક્ષિણ ભારત અને પૂર્વના રાજ્યોનો નંબર આવે છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં હજુ પણ ભારતમાં WPCનો વપરાશ ઘણો ઓછો છે, પરંતુ હવે તેમાં સારો એવો વધારો થઈ રહ્યો છે, આવતા પાંચ વર્ષ દેશમાં WPC માર્કેટના વિકાસ માટે ખૂબ મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે તેમ કહી શકાય.

Related Articles

Stay Connected

3,000FansLike
- Advertisement -spot_img

Latest Articles