Saturday, December 21, 2024
spot_img

જામ-ખંભાળિયાનો વુડ વર્કીંગ મશીન ઉદ્યોગ વિકાસદોડમાં કેમ પાછળ રહી ગયો?

લગભગ 60,000ની વસ્તી ધરાવતું જામ-ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તાલુકા મુખ્ય મથક છે જે દેશી શુદ્ધ ઘી અને વુડ વર્કીંગ મશીનરી માટે જાણીતું છે. પાંચ દરવાજા ધરાવતું આ ઐતિહાસિક નગરે, એક સમયે વુડ વર્કીંગ મશીનરી ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી, અને આજે પણ કેટલીક વુડ વર્કીંગ મશીનરી બનાવતી કંપનીઓ જામ-ખંભાળિયાની કંપની તરીકે પોતાને ઓળખવામાં ગૌરવ અનુભવે છે પરંતુ એક સમયે ભારતની વુડ ઇન્ડસ્ટ્રીમાં જે ખંભાળિયાના નામની ધાક પડતી હતી તે આજે ધીમે ધીમે ઓછી થઈ માત્ર નામ પૂરતી રહી ગઈ છે. આજથી દશ વર્ષ પહેલા જામ-ખંભાળિયામાં 20 થી 22 જેટલી વુડ વર્કીંગ મશીનરી બનાવતી કંપનીઓ હતી જેમાંથી આજે ત્યાં માત્ર 6-7 કંપનીઓ રહી છે. કેટલીક રાજકોટ, જામનગર, અમદાવાદ જેવા શહેરોમાં સ્થળાંતર કરી ગઈ છે તો કેટલીક કંપનીઓ બંધ પડી છે અથવા વ્યવસાય બદલ્યો છે. જામ-ખંભાળિયાની આ પરિસ્થિતિ કેમ ઉભી થઈ તેના કેટલાક કારણો છે. આ કારણોનો ઉલ્લેખ કરતા પહેલા વુડ વર્કીંગ મશીન વિષેનો થોડોક ઇતિહાસ જાણી લઈએ

વુડ વર્કિંગ મશીનરીની શરૂઆત પહેલા થઈ અને તે પછી મશીન ટૂલ્સ શોધાયા હોવાનું જાણવા મળે છે. વિશ્વમાં સૌ પ્રથમ વુડ ટર્નીંગ લેથ મશીન અસ્તિત્વમાં આવ્યું.

લાકડાને વ્હેરવા સૌ પ્રથમ આરી અને પછી બેન્ડ સૉ મશીન શોધાયા તે એક વાત છે પરંતુ લેથ મશીન સૌ પ્રથમ 3000 વર્ષ પહેલા સાદા ઇજીપ્શીયન લેથ મશીન તરીકે યુરોપમાં શોધાયું અને તે પછી સમયાંતરે તેમાં સુધારા વધારા થતા રહ્યા. 18મી સદીના ઉત્તરાર્ધ અને 19 મી સદીની શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિના પગલે થતા રહ્યા, અને આજે તો અત્યંત આધુનિક ટેક્નોલોજીના સહારે વુડ ઇન્ડસ્ટ્રીને સૌથી મહત્વનો ફાળો આપી રહ્યું છે. મોડર્ન વુડ વર્કીંગ મશીનરીની જન્મભૂમિ તરીકે ઇંગ્લેન્ડ અને અમેરિકાને ઓળખવામાં આવે છે જેમાં પછીથી જર્મની, જાપાન અને ચીન જોડાયા, ભારત પછીથી તેમાં જોડાયું. ખાસ કરીને ભારતમાં આ ઉદ્યોગે બીજા વિશ્વયુદ્ધ પછી સારી એવી પ્રગતિ કરી છે, જેમાં ગુજરાતના જામ-ખંભાળિયા, જામનગર, રાજકોટ, અમદાવાદ ઉપરાંત  તામિલનાડુ,પંજાબ, હરિયાણા જેવા રાજ્યોનો મુખ્ય ફાળો છે. દેશમાં પ્લાય-પેનલ અને ફર્નિચર ઉદ્યોગના વિકાસ સાથે આ ઉદ્યોગ સાથે જોડાયેલ અન્ય આધુનિક મશીનરીનો ઉપયોગ વધતો ચાલ્યો, જેને કારણે દેશના લોકલ ઉત્પાદન સહિત આયાતી મશીનોની માંગ પણ વધતી ચાલી. આજે દેશમાં  વુડ વર્કીંગ મશીનરી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર લગભગ 3000 કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે. આવતા પાંચ વર્ષમાં આ માર્કેટ 50 ટકા વધવાનો અંદાજ છે. હવે તો CNCની મશીનની માંગ પણ ઘણી ઝડપથી વધી રહી છે જે ફર્નિચર અને વુડ ક્રાફટ ઉત્પાદન ક્ષેત્રે એક ક્રાંતિકારી શોધ ગણી શકાય.

વુડ વર્કીંગ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતના જામખંભાળિયાનું નામ વર્ષો પૂર્વેથી ખુબ ગૌરવપૂર્ણતાથી લેવાતું રહ્યું આ ક્ષેત્રે લગભગ 40 વર્ષ સુધી દેશમાં ગૌરવશાળી અથવા પ્રમુખસ્થાન ભોગવ્યા બાદ ધીમે ધીમે આ શહેરે પોતાનું સ્થાન ગુમાવવા માંડ્યું અને છેલ્લા દશ વર્ષમાં તો તેનું સ્થાન ઘણું નીચે આવી ગયું. એક સમયે સમગ્ર દેશના ખૂણે ખૂણે વુડ ઇન્ડસ્ટ્રીમાં જેની ધાક વાગતી હતી તે જામ-ખંભાળિયાનો વુડ વર્કીંગ મશીન ઉદ્યોગ આમ, નીચલા સ્થાને કેમ આવી ગયો તેના કારણો પણ જાણવા જોઈએ.

રૂપિયા 300થી માંડીને 70,000 રૂપિયા સુધીના મજબૂત અને ટકાઉ વુડ વર્કીંગ મશીન બનાવનાર જામખંભાળિયાના કુશળ કારીગરો અને ખાસ કરીને કંપનીના માલિકો દેશના ખૂણે ખૂણેથી મશીનના ઓર્ડર મેળવતા. ખંભાળિયાબ્રાન્ડ મશીનની માંગ એવી હતી કે એડવાન્સ રકમ આપી, ઉત્પાદકના આપેલ સમયે ડીલીવરી લેવા પણ તૈયારી બતાવતા. ઘણી વખત આ ડીલીવરી લેવા ત્રણ-ત્રણ મહિનાનો સમય પણ લાગતો. ડીમાન્ડ સામે ઉત્પાદન ઓછું હોવાથી સ્થિતિ કેટલાક વર્ષો ચાલી.

ખંભાળિયા, સૌરાષ્ટ્રનું અંતરિયાળ ગામ હોવાથી,વેપારીઓને મશીનના ઓર્ડર આપવા અવર જવરની તકલીફ પણ પડતી હતી, ડીલીવરી મેળવવા રાહ પણ જોવી પડતી પરંતુ ખંભાળિયાના મશીનનો આગ્રહ હોવાથી આ તકલીફ પણ વેઠવા તે સમયે ગ્રાહકો તૈયાર હતા. એક તરફ ઉત્પાદન ઓછું હતું તો બીજી તરફ દેશભરમાં મશીન સપ્લાય કરવા અસરકારક અને વિસ્તૃત નેટ ડીલર્સ નેટવર્ક ન હતું. બીજું કે વેચાણ બાદ સર્વિસ પુરી પાડવા કોઈ અસરકારક વ્યવસ્થા પણ ન હતી. સમય પસાર થતો ગયો તેમ ગ્રાહકો પણ હવે મશીનોની ડીલીવરી વહેલી મેળવવા અથવા હાજર સ્ટોકમાંથી જરૂરી મશીન પસંદ કરવાની  માનસિકતા તરફ વળવા લાગ્યા. સરળતાથી ઉપલબ્ધ વેચાણ અને ઝડપી ડીલીવરી અને વેચાણ બાદની ઝડપી સર્વિસનો આગ્રહ રાખતા બજારની અપેક્ષાઓ સમજવામાં અથવા પૂરી કરવામાં ખંભાળિયાનો મશીનરી ઉદ્યોગ નાકામયાબ રહ્યો અથવા સમયની માંગને પારખી ન શક્યો. પોતાની પાસે મશીન બનાવવાની કુશળતા હોવા છતાં આધુનિક ટેક્નોલોજી, સમય પરિવર્તન સાથે ગ્રાહકની જરૂરિયાત અને અસરકારક માર્કેટીંગ વ્યવસ્થા પુરી પાડવા અથવા સંતોષવા આ ઉદ્યોગે કોઈ ઉપાયો ન કર્યા. કેટલાક ઉત્પાદકના ધ્યાનમાં આ વાત આવી, જેથી તેમણે ઉત્પાદન વધારવા સપ્લાય ચેઇન ઉભી કરવા તથા નવા અને કિંમતમાં સસ્તા મશીન ડેવલપ કરવાના પ્રયત્નો કર્યા અને કેટલાક જામખંભાળિયાની બહાર નીકળી અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા શહેરમાં પોતાના ઉત્પાદક યુનિટ શરૂ કર્યા, અથવા સ્થળાંતર કર્યું. પરંતુ આ પ્રક્રિયા અસરકારક સ્તર પર ન થઈ અથવા મોડી થઈ પરંતુ આ સમસ્યા ગુજરાત તથા અન્ય બે-ત્રણ રાજ્યોના ઉદ્યોગ સાહસિકોના ધ્યાન પર આવી અને તેમણે વધુ ઉત્પાદન સાથે વિસ્તૃત સપ્લાય ચેઈન દેશભરના શહેરો જ્યાં વુડ ઇન્ડસ્ટ્રી તથા ફર્નિચર ઉદ્યોગના વિકાસની તકો ઝડપથી વિસ્તરતી હતી ત્યાં ઉભી કરી ગ્રાહકની માંગ, પસંદગી, કિંમત અને વહેલામાં વહેલી તકે ડીલીવરી અને સફળ માર્કેટીંગ પ્રક્રિયા અપનાવતી ઉત્પાદક અથવા વિતરક કંપનીઓએ વુડ વર્કીંગ મશીનરીનું માર્કેટ ઝડપથી હસ્તગત કરવા માંડ્યું જેથી જામ  ખંભાળિયાના માર્કેટને મોટી અસર પહોંચવા લાગી. જો કે  ખંભાળિયા 4-5 મશીનરી ઉત્પાદકોએ પરિસ્થતિ પારખી બીજા શહેરોમાં સ્થળાંતર કર્યું અથવા ઉત્પાદન ક્ષમતા વધારી અને ડીલર્સ નેટવર્ક ઉભું કરી,  જામખંભાળિયાની બ્રાન્ડ અને પોતાનું બજાર જાળવી રાખવા પ્રયત્નો કર્યા પરંતુ જેઓ આમ કરવામાં નિષ્ફ્ળ રહ્યા તેઓએ વુડ વર્કીંગ મશીનનું ઉત્પાદન અથવા પોતાનું એકમ બંધ કરવાનો વારો આવ્યો.

આજે જયારે વુડ વર્કીંગ મશીનરી ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે અને હજુ પણ સારા વિકાસની તકો રહેલી છે ત્યારે સમય-પરિવર્તન, સફળ માર્કેટીંગ વ્યવસ્થા અને આધુનિક ટેકનોલોજી કે ઉત્પાદન પ્રક્રિયા અને ગ્રાહકની માંગને સમજવામાં જે ઉદ્યોગ સંચાલકો નિષ્ફ્ળ રહ્યા છે તેમના માટે ખંભાળિયાના વુડ વર્કીંગ મશીનરી ઉદ્યોગનો કિસ્સો અભ્યાસને પાત્ર છે.

Related Articles

Stay Connected

3,000FansLike
- Advertisement -spot_img

Latest Articles