Saturday, December 21, 2024
spot_img

“આહ” મોરબી….”વાહ” મોરબી

કોઈપણ શહેર કે સ્થળનો ઇતિહાસ સુખદ-દુઃખદ કે સારા-ખરાબ પ્રસંગો કે ઘટનાઓથી લખાયેલો હોય છે. સીરામીક સીટી તરીકે ઓળખાતું ગુજરાતનું મોરબી શહેર પણ આવા “આહ” અને “વાહ”  પ્રસંગોથી અછૂતુ નથી.

આમ તો મોરબી તેની ઐતિહાસિક ઓળખથી છાનું નથી પરંતુ તેની ઔદ્યોગિક વિકાસની વાત આવે ત્યારે તે દુનિયાભરમાં પોતાની સ્પષ્ટ છાપ ઉભી કરે છે. દિવાલ ઘડિયાળથી માંડી, સિરામીક ઉદ્યોગ અને હવે પેપર, લેમિનેટ શીટ્સ કે પાર્ટીકલ બોર્ડ ઉદ્યોગ ક્ષેત્રે મોટા ગજાનું નામ કાઢનાર મોરબી હજુ પણ કેટલાક ઔદ્યોગિક કીર્તિમાન સ્થાપિત કરવા થનગની રહ્યું હોય તેમ લાગે છે. કાઠિયાવાડની ધરાનું પાણી જ એવું છે ને કે ભલભલાના પેટમાં પડ્યા પછી તે ગડગડાટી બોલાવી દે. મોરબીની વાત આજે અહીં એટલા માટે કરવી છે કે તેણે માત્ર દિવાલ ઘડિયાળ, સિરામીક ઉદ્યોગ ક્ષેત્રે જ માત્ર નહીં પરંતુ વુડ રીલેટેડ ઈન્ડસ્ટ્રી કે રીઅલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જેને નિસ્બત છે તે લેમિનેટ, પ્લાય-પેનલ અને પેપર ઉદ્યોગ ક્ષેત્રે પણ દેશભરમાં પોતાનું ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કર્યો છે અને કરી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં એવું કહેવાય છે કે મોરબીના લોકો જે ધંધામાં પગ મુંકે તેમાં પછી તે પાછું વળીને જોતા નથી, તે ક્ષેત્રના ઉદ્યોગમાં લાંબી લાઈન લાગી જાય.

ઐતિહાસિક મોરબીની જૂની વાતો તો ઘણા જાણતા હશે, આજે તેની કંઈક નવી અને ઔદ્યોગિક વિકાસની વાત કરવી છે. “આહ” મોરબીના તેના ત્રણેક દુઃખદ પ્રસંગો ટાંકવા છે તો “વાહ” મોરબીમાં દેશનાં ઔદ્યોગિક નકશામાં તેના ગૌરવશાળી સ્થાનની ઝાંખી કરાવવી છે.

પાકા, કાચા કે ખરબચડા – ખાડા-ટેકરાવાળા રસ્તા પર ધૂળ-ધુમાડાના ખાઈને, આલિશાન કે સજાવટભરી ઓફિસમાં બેસી દિવસભર ધંધાના તાણાં-વાણાં જોડતા મોરબી-વાસીને – યુવાનને સ્વાસ્થ્યને માટે હાનિકર્તા પાન-મસાલાની વાત કરવી તમને કે તેને નહીં ગમતું પરંતુ ધંધાની વાતથી તરત તે તમારી ચાલતી ગાડીમાં બેસી જશે, કારણકે તેને ધંધામાં રસ છે. ધંધાની આ ચાલતી ગાડીમાં પહેલું, બીજું કે વચ્ચેના સ્ટેશન કયા આવશે તેના કરતા નિર્ધારિત સ્ટેશન ક્યારે આવશે તેની તેને ચિંતા છે, બસ તેને તો સફળતાનાં નિર્ધારિત સ્ટેશને જ પહોંચવું છે.

રોજના દોઢ લાખ જેટલા દિવાલ ઘડિયાળ તથા ગીફ્ટ આર્ટીકલ્સ (કદાચ આજે થોડા ઘટ્યા હશે) બનાવતા 50થી વધુ એકમો, 900 જેટલા સિરામિક ઉદ્યોગના કારખાના, 60થી વધુ પેકેજીંગ એન્ડ પેપર મીલો, 30થી વધુ મીઠાના કારખાના, 150થી વધુ પોલી પેકના કારખાના, 30 જેટલા લેમીનેટ શીટ્સનું ઉત્પાદન કરતા કારખાના, 13 જેટલા પાર્ટીકલ બોર્ડ બનાવતા, 4 થી 5 પ્લાય-પેનલ બનાવતા તથા 8 થી 10 જેટલા વુડ-પ્લાસ્ટિક કમ્પોઝીટસની પ્રોડકટ્સ બનાવતા કારખાના ઉપરાંત અન્ય નાના-મોટા ઉદ્યોગ વ્યવસાય વાંકાનેરથી માંડી માળીયા-હળવદ સુધી 600 ચો. કિ.મીના ઘેરાવામાં વર્ષે દહાડે 60 હજાર કરોડ રુપિયાનું ટર્નઓવર કરી રાજ્ય તથા દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલ છે. મોટા ભાગના ઉદ્યોગો અનઓર્ગેનાઇઝડ સેક્ટર (અસંગઠિત ક્ષેત્ર)માં આવેલા છે.

મોરબીના ઔદ્યોગિક નકશામાં સૌથી મોટો ફાળો સિરામીક ઉદ્યોગનો છે. જેનું વાર્ષિક ટર્નઓવર 40 હજાર કરોડ જેટલું છે જયારે પેપર-પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝનું વાર્ષિક ટર્નઓવર 4000 કરોડ રુપિયાનું હોવાનો અંદાજ છે. ત્યારબાદ ઘડિયાળ-ગીફ્ટ આર્ટીકલ્સ, પોલીપેક અને પ્લાય-લેમ, બોર્ડ ઉદ્યોગનો ક્રમ આવે છે.

મોરબીમાં ઔદ્યોગિક વિકાસની શરુઆત 1050-60 દશકથી, નાના પાયે થઈ. દરિયાથી 35 કિ.મી. રાજકોટથી 60 કિ.મી. દૂર અને ગાંધીધામ-કંડલાથી 125 કિ.મી. જેટલું દૂર આવેલ મોરબી શહેર સાડા ત્રણ લાખથી વધુની વસ્તી ધરાવે છે. સમગ્ર જિલ્લાની વસ્તી 10 લાખ જેટલી છે. 15, ઓગષ્ટ 2013ના રોજ મોરબીને અલગ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો, જેનો વાહન રજીસ્ટ્રેશન નંબર જીજે-36 છે. મોરબીની વસ્તી છેલ્લા દશ વર્ષમાં લગભગ બમણી થઈ છે જયારે મોરબીનો ઔદ્યોગિક વિકાસ છેલ્લા પંદર વર્ષમાં ઝડપથી વધ્યો છે પરંતુ કોરોના સંક્રમણ પછી તે ધીમો પડ્યો છે. છેલ્લા ત્રણેક વર્ષને બાદ કરતા દર વર્ષે સરેરાશ 20 જેટલી સિરામીક ફેક્ટરી શરુ થતી હતી, જે સંખ્યા હવે જોવા મળતી નથી. મોરબીના સિરામીક ઉદ્યોગમાં  10,000 કરોડ રુપિયા જેટલું રોકાણ થયેલું છે.

આજે જયારે વાઇબ્રન્ટ ગુજરાતની વાત ચારેબાજુ થઈ રહી છે ત્યારે મોરબીના ઔદ્યોગિક વિકાસની નોંધ અવશ્ય લેવાય છે. એક સમયે દિવાલ ઘડિયાળ, ગીફ્ટ   આર્ટીકલ્સ કે વિલાયતી નળિયાના ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી ગણાતું મોરબી સિરામીક ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વમાં બીજા નંબરનું અને દેશમાં પ્રથમ નંબરનું ઉત્પાદક કેન્દ્ર બન્યું, સિરામીક ઉદ્યોગ પછી અન્ય ઉદ્યોગો પણ વિકસ્યા, જેમાં લેમિનેટ્સ અને પાર્ટીકલ બોર્ડ ઉદ્યોગનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો.

મોરબીનો સિરામીક ઉદ્યોગ 4 લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડે છે, રોજની 1000 જેટલી ટ્રકો દ્વારા રુપિયા 20,000 કરોડની નિકાશ ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, ગ્રીસ, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, બેલ્જીયમ, નેધરલેન્ડ, થાઈલેન્ડ, વિયેતનામ, ઇઝરાયલ, રશિયા, યુક્રેન, સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાક, લેબેનોન, સાઉથ કોરિયા, કુવૈત, નેપાળ,મોરેશિયસ, આર્જેન્ટિના, ઓમાન, ઈન્ડોનેશિયા, તાઈવાન, મોરોકો સહિત અન્ય 50થી વધુ દેશોમાં થાય છે.

દેશના સિરામીક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં 13 ટકા હિસ્સો એકલા મોરબીનો છે જયારે દેશમાં આ હિસ્સો 90 ટકા છે. સિરામિક ઉદ્યોગ દેશમાં 1 કરોડ જેટલા લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. મોરબી રોજના  15000 ચો.મીટર જેટલી ટાઈલ્સ બનાવે છે.

ઉચ્ચ ક્વોલિટીના જરુરી કાચા માલની ઉપલબ્ધતા, રસ્તા, પાણી, વિજળી, ગેસ તથા સરળ અને આવશ્યક સેવાઓની સગવગને કારણે મોરબીમાં સિરામીક સહિત અનેક ઉદ્યોગો વિકસ્યા છે. મોરબીના ઔદ્યોગિક વિકાસના વર્તમાન તબક્કામાં પેપર પેકેજીંગ, લેમિનેટ શીટ્સ અને પ્લાય-પેનલ ઉદ્યોગનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. છેલ્લા પંદર વર્ષમાં લેમિનેટ શીટ્સ બનાવતી ફેકટરીઓ બે-ત્રણમાંથી 30 ઉપર પહોંચી છે તો પાર્ટીકલ બોર્ડ 12 જેટલી ફેકટરીઓ છેલ્લા દશકામાં અસ્તિત્વમાં આવી છે. હવે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ પણ વધુ પ્રમાણમાં શરુ થઈ રહી છે. પાર્ટીકલ બોર્ડ અને લેમીનેટ શીટ્સના ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો અનઓર્ગેનાઇઝડ સેકટરના કુલ ઉત્પાદન 30 ટકા હિસ્સો એકલું મોરબી પુરા પાડી રહ્યું છે અને આવતા પાંચ વર્ષમાં આ હિસ્સો 50 ટકાએ પહોંચવાનું અનુમાન છે. બાંધકામ, ફર્નિચર અને રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોરબી પોતાનો ફાળો સતત વધારતું રહ્યું છે. જે રીતે પ્લાય -પેનલ અને ટિમ્બર હબ તરીકે દેશમાં યમુનાનગર કે ગાંધીધામનું નામ દેશના ઔદ્યોગિક નકશામાં ઝળહળતું થયું છે તે રીતે 2030 સુધીમાં મોરબી પોતાનું સ્થાન જમાવશે તેમાં કોઈ શંકા નથી. 1979ની મચ્છુ ડેમ ની હોનારત, 2000નો દર્દનાક ધરતીકંપ કે 135 જણનો ભોગ લેનાર મચ્છુ નદી પરના બ્રીજની “આહ” ભરી ઘટનાને ભૂતકાળમાં ભુલાવી દેનાર મોરબીની ખમીરવંતી પ્રજા, ટ્રાફીક કે પોલ્યુશનની સમસ્યાને ભુલાવી પોતાની વ્યાપારીક સૂઝબૂઝથી ભારત અને વિશ્વના આર્થિક નકશા સહિત વાઇબ્રન્ટ ગુજરાતના 33 જિલ્લામાં પોતાની ઔદ્યોગિક વિકાસયાત્રા ગૌરવપૂર્ણ રીતે વિસ્તારી રહી છે.

Related Articles

Stay Connected

3,000FansLike
- Advertisement -spot_img

Latest Articles